Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું

 Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું 

એસપીશ્રી બીપરજોય વાવાઝોડુ સમયે તેમજ અપહરણ અને ગુમ થયેલા બાળકો અને પુખ્તવયના કુલ ૨૭૫ લોકોને શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી 

વાપીના જીઆઈડીસીના પીઆઈશ્રીએ ડુંગરાના રેપ વીથ મર્ડર કેસમાં માત્ર ૧૯ દિવસમાં ૭૦૦ પાનાની ચાર્જશીટ મુકી હતી 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ જુલાઈ 

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કર્મચારીઓની વર્ષ ૨૦૨૩ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) અને પ્રશંસાપત્રથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા અને વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલને સન્માનિત કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી. 

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા વર્ષ ૨૦૨૩ દરમિયાન ભૂજમાં ઈન્ચાર્જ એસપી હતા તે સમયે બીપરજોય વાવાઝોડુ આવતા અંદાજે ૫૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી સુપેરે બજાવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાઈડ લાઈન મુજબ ઝીરો કેઝ્યુલિટીના લક્ષ્યાંક સાથે વાવાઝોડા સમયે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. આ સિવાય વલસાડ જિલ્લાના એસપી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં પાંચ માસ દરમિયાન અપહરણ અને ગુમ થયેલા ૫૦ બાળકો અને ૨૨૫ પુખ્ત વયના લોકોને શોધી કાઢવાની શ્રેષ્ઠ કામગીરી કરી હતી. આ સિવાય નાસતા ફરતા આરોપીઓને પણ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી પાર પાડી હતી. તેમના સમયગાળા દરમિયાન વર્ષ ૨૦૨૩માં વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પણ શાનદાર ઉજવણી થઈ હતી. વર્ષ ૨૦૨૩ દરમિયાનની તેમની ઉપરોક્ત તમામ વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી વિકાસ સહાય દ્વારા તા. ૩૦ જુલાઈ ૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે ડિસ્ક અને પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા હતા. 


વલસાડ જિલ્લા એસપી ડો. વાઘેલાની સાથે વાપી જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર મયુરભાઈ પી. પટેલનું પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી વિકાસ સહાયના હસ્તે ડિસ્ક અને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કરાયુ હતું. પીઆઈ મયુરભાઈ પટેલે તા. ૨૩ ઓકટોબર ૨૦૨૩ના રોજ વાપીના ડુંગરા ખાતેના રેપ વીથ મર્ડર કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. ઝાડીમાંથી ૬ વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેનુ ફોરેન્સિક પીએમ કરાતા બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાનું ફલિત થયું હતું. પીઆઈ મયુર પટેલે ટીમ સાથે ગણતરીના કલાકોમાં આરોપી અબ્દુલ રજાક સુભાન ખાન (ઉ.વ.૪૨, રહે. ચીલવીલ રામની ચાલ, ડુંગરી ફળિયુ, ડુંગરા, વાપી)ની ધરપકડ કરી હતી. તમામ સાયન્ટીફીક એન્ગલથી તપાસ કરી તમામ પૂરાવા એકત્ર કરી શ્રી પટેલે માત્ર ૧૯ વર્કિંગ ડે માં ૭૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. આ શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનું ડીજીપી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  

બોક્ષ મેટર 

શું છે કમાન્ડેશન ડિસ્કનો ઈતિહાસ? કેમ આપવામાં આવે છે? 

કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા દેશભરની પોલીસ ફોર્સના જવાનોનું મોરલ વધે તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાય અને પોલીસ જવાનોમાં ફરજ પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે વર્ષ ૨૦૨૦થી રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) એનાયત કરવામાં આવે છે. વર્તમાન સ્થિતિમાં જોઈએ તો, હાલ દેશભરના કુલ ૭ રાજ્યોમાં પોલીસ જવાનોને તેમની વિશિષ્ટ કામગીરી બદલ ડિસ્કથી સન્માનિત કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની પોલીસની સ્ટ્રેન્થ ૧ લાખ જવાનોની છે જેમાંથી ૧૧૦ પોલીસ અધિકારી-કર્મચારીઓની ડિસ્ક મેડલ માટે પસંદગી કરવામાં આવે છે. દર વર્ષે પોલીસ અધિકારીઓ દ્વારા નોમિનેશન કરવામાં આવે છે જેમાંથી ડીજીપીની આગેવાની હેઠળ સિનિયર અધિકારીઓની બનેલી કમિટી દ્વારા ૧૧૦ની પસંદગી કરવામાં આવે છે.  

Comments

Popular posts from this blog

Dang: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી :

Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો